15 - સખને સામે તીર / હરિશ્ચન્દ્ર જોશી


સૈયર, સૈયર, આજ અચાનક કમખે બેઠો મોર
સાવ નોધારી છાતીએ મારી ઘૂઘવે રે કલશોર

સૈયર, સૈયર, ચૂંદડીમાં કંઈ આભલાં ઝળક ઝળક
સામટા સૂરજ ઊગતા ભેળી હું ય તે લળક લળક

સૈયર, સૈયર, હેલ્યની હાર્યે છલક છલક હુંય
કોણ જાણે સમજાય નહીં કૈં લોહીમાં થાતું શુંય !

સૈયર, સૈયર, જીવમાં ઊગ્યું ઝાડવું રે લેલૂંબ
મનને ફૂટ્યાં તોરણ લીલાં ઝૂલતાં લૂંબાઝૂંબ

સૈયર, સૈયર, વીરડામાં જેમ આછરે ડહોળાં નીર
આછરી એવી હુંય તે આજે સખને સામે તીર

સૈયર, સૈયર, સપનું આવ્યું ઢળતી રાતે મૂઈ !
ઉંબરો, શેરી ધૂળિયું પાદર ઝપ્પ શી ઠેલી ગઈ


0 comments


Leave comment