17 - રંગભર રમવા ગ્યાં’તાં / હરિશ્ચન્દ્ર જોશી


ઊંડો કૂવો અવાવરો ને આંખે વળગી ઝાંખ
       રે સપનાં સીંચવા ગ્યાં’તાં

ઘર પછવાડે પીલુડી ને ફરતી બાવળ કાંટ્ય
       રે પીલુડા વીણવા ગ્યાં’તાં

લીમડે બેઠી ખિસકોલી બૈ કાપે ટગલી ડાળ
       રે માથું ઝૂલવા ગ્યાં’તાં

ગંધના ઝામણ છોડવા ને ટેરવે લાગ્યા ડંખ
       રે ફૂલડાં ચૂંટવા ગ્યાં’તાં

છીછરા કાંઠા છેતરે ને તાણી જાતા ક્યાંય
       રે નદીએ છબવા ગ્યાં’તાં

ખાલી ખાલી હથેળિયું ને ચણશે ક્યાંથી મોર ?
       રે દિવસો લણવા ગ્યાં’તાં

રંગ કસુંબલ આંખડીની વાગી તમ્મર ઠેસ
       રે ઝીલણ ઝીલવા ગ્યાં’તાં

સૈયર હાલે મલપતી હું મારગ આખે રોઈ
      રે રંગભર રમવા ગ્યાં’તાં


0 comments


Leave comment