46 - સમાંતર / ચિનુ મોદી


જિન્દગી છે એક રેખા, મોતની રેખા બીજી
બે સમાંતર છે, છતાં બન્ને મળી કાં જાય છે ?

એક પલ્લે સાવ ફિક્કો ચંદ્ર, બીજું સૂર્ય છે
પ્રશ્ન છે કે સમતુલા કેમે કરી જળવાય છે ?

જોઉં છું એકાંતમાં જ્યારે હું દર્પણમાં મને
સાથમાં મારા, બીજી છાયા કઈ દેખાય છે ?

વાદળો ઘેરાય છે, હંમેશ મારા મન વિશે
હરવખત તારાં નયન શાને ભીંજાઈ જાય છે ?

મોકળા મનના પવન પેઠે દશા તારી થશે
તું વ્યથા તારી બધા આગળ ભલા કાં ગાય છે ?


0 comments


Leave comment