49 - પગલાં / ચિનુ મોદી


લીંપણમાં મોજાંઓનાં ખળભળતાં પગલાં
મારી આ પગલીમાં કોનાં ભળતાં પગલાં ?

તારી વાત કરું છું ત્યારે લાગે એવું
ઉંબર લગ આવીને પાછાં વળતાં પગલાં.

ચરણોએ ચાલી ચાલી મારગમાં ખોયાં
એના એ મારગ વચ્ચેથી મળતાં પગલાં.

અડાબીડ આ અંધારાનું ઊગ્યું જંગલ
અફળાતાં વૃક્ષો ને મારાં બળતાં પગલાં.

ઊંટોની પીઠે બેસે છે રણની રેતી,
રેતીની પીઠે બેસી પીગળતાં પગલાં.


0 comments


Leave comment