2 - પ્રસ્તાવના / || ૐ || ||અથ શ્રીમદગઝલ || / ડૉ.રઈશ મનીઆર


હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું
થાય ખુલ્લું તો ગગન થઇ જાય છે.

પંકજ વખારિયા એટલે ગુજરાતના ગઝલવિશ્વમાં બહુ જાણીતું નહીં એવું નામ. એના સરળ વ્યક્તિત્વની પાછળ બે દાયકાની સંનિષ્ઠ ગઝલસાધના છુપાયેલી છે એવો ભાગ્યે જ કોઈને પ્રથમ એક-બે મુલાકાતમાં ખ્યાલ આવે છે.

પંકજ વખારિયા હવે જ્યારે એની વીસ વર્ષોની ગઝલસાધનાને આ કાવ્યસંગ્રહના બે પૂંઠાની વચ્ચે સાચવીને આપણી સમક્ષ મૂકી રહ્યો છે, ત્યારે આપણી ગરજ અને ફરજ છે કે એક ગઝલકાર તરીકે આપણે સૌ એને જાણીએ.

ગઝલરચનાની તારીખો તપાસતા ખ્યાલ આવે છે કે ૧૯૮૯ થી શરુ થયેલી આ ગઝલયાત્રા અત્યાર સુધી કદી સળંગ ચાલી નથી. વચ્ચે બબ્બે વર્ષોના વિરામ આવ્યા છે. કવિ વચ્ચે-વચ્ચે ગઝલથી વિમુખ થયા છે એવું ધારવાનું મન થાય. પરંતુ, સુરતમાં જેઓ પંકજને ઓળખે છે તે સૌ જાણે છે કે પંકજની ગઝલસાધના સાતત્યપૂર્ણ રહી છે. ગઝલને તાગવાની, ગઝલ દ્વારા ગઝલથી પર કશું તાગવાની અને જાગવાની એની મથામણોનો હું સતત સાક્ષી રહ્યો છું.

પંકજને હું પ્રથમવાર ૧૯૮૯માં મળ્યો ત્યારે મારી ઉંમર ૨૩ વર્ષની અને પંકજની ઉંમર ૧૯ વર્ષની હશે. એક ગઝલસ્પર્ધામાં હું નિર્ણાયક અને એ સ્પર્ધક. ગઝલને અનુરૂપ મિજાજ અને શેરિયતવાળી એક છંદ વગરની રચના આ યુવકે એક કલાકની સમયમર્યાદામાં આપેલ વિષય પર લખી હતી. ગઝલ સાદ્યંત સુંદર હતી, પણ છંદોબદ્ધ ન હતી. બીજો કોઈ સબળ હરીફ હતો નહીં. કિરણ ચૌહાણ, પ્રમોદ અહિરે, મહેશ દાવડકર કે ગૌરાંગ ઠાકરનો ઉદય થવાનો બાકી હતો. થોડી અવઢવ સાથે શરત મૂકી કે પ્રાદેશિક અને રાજ્ય કક્ષાએ જતાં પહેલાં ગઝલના છંદ શીખી લેવા. પંકજે એ વચન પાળ્યું અને ગઝલ સાથે શ્વાસથીય અદકું અનુસંધાન કેળવ્યું, જાળવ્યું.

અમારી મૈત્રીની અને પંકજની સાધનાની ઉંમર સરખી છે. આ સંગ્રહના પ્રાકટ્યની ક્ષણે મારા મનમાં કલાકો સુધી ચાલેલી એ ગોષ્ઠિઓ યાદ આવે છે; જેમાં પંકજ જેવો આતુર શ્રોતા હોય, જે મારા અસંબદ્ધ વાણીવિલાસમાંથી સળીઓ, તણખલાં એકઠાં કરી પોતાની ગઝલ-વિભાવનાનો માળો બાંધતો રહેતો હોય. આ ગોષ્ઠિઓમાંથી પંકજ શું પામ્યો એ તો અલગ વાત છે, પણ ગઝલ વિશે ઊંડાણપૂર્વક વિચારવાનું નિમિત્ત મને પંકજ સાથેની એ મુલાકાતોમાંથી જ સાંપડ્યું એમ હું અચૂક કહી શકું.

પંકજે મને બદલાતો જોયો છે, મેં પંકજને બદલાતો જોયો છે. એક ઉત્સાહી નવોદિત ગઝલકારમાંથી એક સફળ વ્યાવસાયિક તબીબ અને ઠીકઠીક મુખર કવિ તરીકેની મારી યાત્રા દરમિયાન પંકજે મારી અંદર રહેલા ગઝલકાર સાથેનો અનુબંધ અક્ષુણ રાખ્યો છે. એક ઊર્મિશીલ કવિહૃદયી તરુણમાંથી, અધ્યાત્મરંગી શ્રેયાર્થી થવાની પંકજની સફર મેં ધ્યાનપૂર્વક નિહાળી છે. પંકજના વૈરાગ્યગામી જીવનમાં ગઝલ એ એની એક પ્રકારની આસક્તિ છે. મારા અન્યથા પ્રવૃત્તિમય જીવનમાં ગઝલ મારું એક પ્રકારનું વૈરાગ્ય છે. આવા સહેજ જુદા પડતા અભિગમ મધ્યે અમારી વચ્ચે એક લીલોછમ સંવાદ કાયમ રહ્યો છે. એ કદાચ અમારા બંનેના જીવનની મહામૂલી મૂડી છે.

પંકજ વ્યવસાયે કાપડ દલાલ, ગઝલનાં માપ અને કાપડનાં માપ, કવિતાનો ભાવ અને કાપડનો ભાવ બેની વચ્ચે બે દાયકા એણે વીતાવ્યા. ટેક્સટાઈલ માર્કેટ અને સંત-સમાગત વચ્ચેની દડમજલ એની જિંદગી, સુરતી ખત્રી જ્ઞાતિનો એ સપૂત. ખમીરવંતી આ જ્ઞાતિમાં જન્મેલો આ છોકરો શરૂમાં નરી સુરતી વાણી બોલતો. જેટલી સાવચેતી રાખે એટલી ઉચ્ચારની વધુ ભૂલો થતી. હૃદયથી ચોખ્ખો તો હતો જ, પછી જીભથી પણ ચોખ્ખો થયો. દરેક વાતે તાર્કિક અભિગમ લઈ દલીલો કરે. સમવયસ્ક કવિમિત્રો સાથે મજાકથી બચવા પોતે મજાક માંડે. ક્યારેક હાસ્ય પ્રેરે, ક્યારેક હાંસીપાત્ર પણ થાય. આ બધાની વચ્ચે પંકજનું કવિતાપ્રેમી મિત્રમંડળ મહેન્દ્ર, દીપક, સુજીત, કમલેશ, દિવ્યેશ, મનોજભાઈ, રાકેશ, બિરેન જેવા જાનદાર મિત્રોનું બનેલું, જેમની પંકજને ભારે હૂંફ. અત્યંત સંઘર્ષશીલ જીવનસફરમાં ઊર્ધ્વગામી રહેલા આ મિત્રો સિવાય કોઈએ પંકજને ગંભીરતાથી લીધો હોય, એવું મને નથી લાગતું.

માત્ર એટલા કારણોસર જ એની ગઝલસાધનાને (બિરદાવવાની વાત તો પછી આવે) જાણવાનું એની નિકટના સહુ કંઇક અંશે ચૂકી ગયા. અલબત્ત, પંકજને એનો કોઈ અફસોસ નથી, પણ મને છે.

આ અફસોસની ફરિયાદ મેં કદી કરી નથી. આ ઝડપભેર દોટ માંડી રહેલા વિશ્વમાં પંકજની કે કોઈની પણ ગઝલો ‘ફીટ’ થઇ શકે, એ પ્રશ્નનો ઉકેલ મારી પાસે નથી. પણ આજે જ્યારે પુસ્તકરૂપે પંકજ આપણી સમક્ષ છે ત્યારે એની ગઝલ વાંચીએ, પંકજને વાંચીએ.

પંકજે સામયિકોને ગઝલ પ્રકાશિત કરવા માટે ખાસ મોકલી નથી. સામે પક્ષે સંપાદકોએ પણ ઓળખાણ અને નિકટતાને અભાવે પંકજની ગઝલોમાં રસ દાખવ્યો નથી. મુશાયરાઓમાં પણ શ્રોતાઓ પંકજના વાણીદોષોની પાર જઈ ગઝલપદાર્શને સ્પર્શી શક્યા નથી.

પંકજ કોઈ શ્રેષ્ઠ કે ઉત્તમ ગઝલકાર છે એવો ભ્રમ એને પણ નથી, મને પણ નથી. એની અનેક મર્યાદાઓ છે. ચોંકાવી ડે એવી ચમત્કૃતિવાળા સંચાલકોને ટાંકવાનું મન થાય એવા ઘણા બધા શેરો એણે નથી લખ્યા. માત્ર એટલાં કારણોસર આપણે એની ગઝલો નહી વાંચીએ તો સંખ્યાબંધ સૂક્ષ્મ, નાજુક, ભાવસભર, અર્થગહન શેરોથી આપણે વંચિત રહી જઈશું. પોતાની અભિરુચિ, જીવનશૈલી અને ચિત્તતંત્રની મર્યાદામાં રહીને ગઝલની લગભગ તમામ છટાઓને પંકજે કસબપૂર્વક ઝીલી છે. પોતાની તમામ વિશેષતાઓ અને મર્યાદાઓ સાથે પંકજ વખારિયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. ખૂબ વિલંબ અને અનિચ્છાના અનેક દૌર પછી ગઝલસંગ્રહના પ્રકાશનનો આ અવસર આવ્યો છે ત્યારે ખૂબ નાનકડા એવા ગઝલવિશ્વની આ નાનકડી ઘટના આપણા સૌના નાનકડા આવકારને પાત્ર તો છે જ.

આ કાળા અક્ષરોને ધ્યાનપૂર્વક અને કાનપૂર્વક વાંચીએ, સહજતાથી હૃદયમાં ક્યાંક લીલોછમ પ્રતિભાવ અંકુરવા દઈએ અને કવિની ભગવી જીવનયાત્રાને આપણી શ્રદ્ધાના ગુલાલથી પોંખીએ.

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી

હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

જે અવસ્થા પર ‘કંઈ બાકી નથી’ એવું લાગે છે એ અવસ્થા પરથી કવિ પંકજ વખારિયાની ગઝલયાત્રા પ્રસ્થાન કરે છે. આ પ્રસ્થાન વેળા કવિ પાસે ભાથામાં શું છે ?

ભાષા છે મારી ઘેલી, ને ઘેલી ગઝલ લખું,
કરવી છે વાત રણ વિશે, શબ્દો સજલ લખું.

તો ઘેલી ભાષા અને સજલ શબ્દોના સહારે શરુ થતી આ યાત્રા ક્યા ક્યા આરે ભટકે છે ?

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર
આંસુને આરે આરે રઝળપાટ આપણો

આ આંસુ ક્યાંથી સાંપડ્યું છે ?

બારીએ ક્યારે આથમ્યો સંભવ, ખબર નથી
ને ક્યારે સ્વપ્નમાં થયો પગરવ, ખબર નથી

લૂંટાશું રોમરોમથી પરદેશી ગામમાં,
યા વધશે ઓર દર્દનો વૈભવ, ખબર નથી.

દરેક ક્ષણ, દરેક પરિસ્થિતિ આપણને બે વિકલ્પોની વચ્ચે મૂકે છે. લૂંટાશું કે સમૃદ્ધ થઈશું ? લોલકના બે અંતિમ બિંદુઓની વચ્ચે જીવનાર્થી સ્થિરતા શોધતા રહે છે. ઉન્માદ તરફથી થોડી ગતિ પ્રતિક્રિયા રૂપે વિષાદ તરફ ન પરિણમે તો જ નવાઈ !

આ મોજશોખથી કશું ઉપરાંત જોઈએ
ખાલીપો તોડવા જરા કલ્પાંત જોઈએ

ખળભળતો જોઈને તને ખામોશ રહી ગયો
વીતકને મારી શ્રોતા જરા શાંત જોઈએ

આંખોના કોરા મૌનનું કારણ છે એ જ કે
આંસુને તારી છાતીનું એકાંત જોઈએ

વિષાદ ઘેરી વળે એટલે યુવાન મન પણ બાળક વાત્સલ્ય કે હૂંફ ઝંખે એ રીતે, પ્રેમ ઝંખે છે. એવા સમયે ઉપલબ્ધ સથવારો કેવો હોય છે ?

માપો હો ઉષ્મા દૂરના તારાની, એ રીતે
મારું સળગવું એમને સમજાતું જાય છે

પણ ‘ખાક હો જાયેંગે હમ ઉનકો ખબર હોને તક’ જેવી પરિસ્થિતિ હોય ત્યારે જીવન નવું અવલંબન શોધે, નવી દિશા શોધે.

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી

રમવા આવ્યા, પરંતુ પોતે જ આ અસ્તિત્વની રમતોનું મેદાન થઇ ગયા.

પહેલા અઘરો છું, પછી આસાન છું
પહાડની ઊંચાઈ પર મેદાન છું.

આ શેરોમાંથી પસાર થતાં સર્જકનું મનોજગત કેવું ઉઘડવા માંડે છે !

આ બધી અડચણો ખરું જોતાં
લાંબું અંતર છે, અંતરાય નથી

આ લાંબું અંતર કાપવાનો પરિશ્રમ માનવી એક-એક દિવસના ટુકડામાં વહેંચી નાખી આસાન બનાવે છે. પણ, આખો દિવસ પણ એકસરખો પસાર થતો નથી.
જાય પૂજાના કમળ જેવો સવારે હાથ, પણ –
પાછો આવે ત્યાં સુધીમાં કંઈ વખત ખરડાય છે

માનવીની નિયતિ છે કે હાથ મળ્યા છે તો હાથ પર હાથ ધરી કે બેસી રહેતો નથી, હાથની પહોંચ જ્યાં સુધી છે ત્યાં સુધી એ ફંફોસે છે, હતાશા અને ઉપલબ્ધિની અવસ્થાઓ વચ્ચે ફંગાળાતો રહે છે.

લાગશે એ શહેર બાર, બે પળ નવું
જાવ ‘હાંસિલપુર’ ‘મુરાદાબાદ’થી

અનંત તૃષાઓની વ્યર્થ દોડધામ માનવીને ‘મુરાદાબાદ’થી ‘હાંસિલપુર’ની સફર કરાવે છે, આવી સમાજ પ્રાપ્ત થયા પછી તરસથી પર થવાની અવસ્થા સામે દેખાય છે. પણ એમાંય તરસવાનું છે !

આ છેલ્લી તપનમાં તરસતો રહું છું
થવાને તૃષાતીત તડપતો રહું છું

તો, એક સર્જકનો અસ્તિત્વ અને વ્યક્તિત્વનો પાર પામવાની મથામણોનો દસ્તાવેજ આ બે પૂંઠાઓની વચ્ચે સચવાયો છે. કોઈપણ વિચારશીલ ભાવનાશાળી જીવનાર્થીને, શ્રેયાર્થીને ભીંજવે એવી ભીનાશ આ તરસમાં છે.

આછું નહીં, પરંતુ ઓછું લખતા કવિને માટે ગઝલમાં શેરિયત અને અંદાજે-બયાં ઉપરાંત કશુંક તાગવા જેવું લાગે છે. જોકે, કવિને ગઝલમાં ખાસ કંઈ સિદ્ધ નથી કરવું, કેમ કે કવિ માટે ગઝલ એક સાધન છે, બહારના અને અંદરના જગતને ઉઘાડવાનું.

ગઝલકાર પંકજ વખારિયાને એમના આ સંગ્રહના પ્રાકટ્ય-પ્રસંગે આવકારીએ અને શુભેચ્છા પાઠવીએ કે એમની આ યાત્રા એમને સાર્થક મુકામ પર પહોંચાડે.

હૈયાની ભીંસમાંથી જન્મેલી ગઝલ તમને ક્યાં પહોંચાડી જશે ? પંકજને એનો અનુભવ છે :

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું
થાય ખુલ્લું તો ગગન થઇ જાય છે

- ડૉ. રઈશ મનીઆર

0 comments


Leave comment