3 - મળી છે પાંખ, પરંતુ ગગન નથી એથી / પંકજ વખારિયા
મળી છે પાંખ, પરંતુ ગગન નથી એથી
ખરી રહ્યાં છે પીંછાં, ઉડ્ડયન નથી એથી
તમન્ના હોય, છતાં કંઈ જ થઈ નથી શકતું
પડી રહ્યા છે પતંગો, પવન નથી એથી
પડી છે સંપદા ભીતરમાં, પણ ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના, ખનન નથી એથી
ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી –
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી
(૨૬ ડિસેમ્બર ૧૯૯૧)
0 comments
Leave comment