4 - સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું / પંકજ વખારિયા
સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું
ને પછી, અંધારું ઝળહળતું થયું
આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?
ઝંખનાનું શબ ફરી બેઠું થયું
આપણાથી છેટાં શખ્સોને લીધે
આપણી વચ્ચે જરી છેટું થયું
હર વખત નડતી શરમ જેની તને
બોલ, અંતે કોણ એ તારું થયું ?
કંઈ પ્રસંતોપાત્ત હો તો ઠીક છે
દર્દ આ તે કેવું રોજિંદુ થયું !
નામ લેતાં પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું
આંખથી કાજળ ગયું બસ, તારું તો.....
મારું તો આખું જીવન કાળું થયું
(૨૭ ફેબ્રુઆરી ૧૯૯૫)
0 comments
Leave comment