5 - શીખવી ગઈ કૈંક પરદાની કળા / પંકજ વખારિયા


શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની ‘આવ’ કહેવાની કળા !

ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા

કેટલાં દિવસે મળી બારીમાં સાંજ
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા

દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા

શબ્દની કરતાલમાં રણકી ઊઠી –
જિંદગી નામે ભરોસાની કળા

એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો શી પાછા મળવાની કળા ?
(૫ એપ્રિલ ૧૯૯૪)0 comments


Leave comment