12 - અડધી રાતે આમ અજવાળું થઇ પજવ્યા ન કર / પંકજ વખારિયા


અડધી રાતે આમ અજવાળું થઈ પજવ્યા ન કર
માંડ આવેલ નીંદને સપનું થઈ પજવ્યા ન કર

ઓશીકા નીચે છુપાવી મોં, સૂતો છું, સૂવા ડે
કાનમાં બણબણતું આ બણગું થઈ પજવ્યા ન કર

લૂંટવા માટે વધુ લંગોટથી અહીં કંઈ નથી
ખાલીપાની ભીંતે બાકોરું થઈ પજવ્યા ન કર

છાપરું ઝાકળ જીરવવાની ય હાલતમાં નથી
માવઠાંનું બર્ફીલું ત્રાંગુ થઈ પજવ્યા ન કર

હોઠ પર માયૂસીના હિમડંખ ઠોકી દીધા બાદ
આટલું ધગધગતું ખિખિયાટું થઈ પજવ્યા ન કર

આંખને તદ્દન નિચોવી, રણ કરી, તરછોડીને
અમથું ચંદનવૃક્ષનું માગું થઈ પજવ્યા ન કર

આભ તો ઊડી ગયું હે મુગ્ધ ઊર્મિ, બસ, હવે
છાતીમાં છટપટતું પારેવું થઈ પજવ્યા ન કર !
(૨૩ જાન્યુઆરી ૨૦૦૯)0 comments


Leave comment