18 - સંતપ્ત મનને એટલે શાતા વળે નહીં / પંકજ વખારિયા
સંતપ્ત મનને એટલે શાતા વળે નહીં –
કાયમ બધીયે વેદના વાદળ બને નહીં !
કિલ્લોલ બારણેથી જ વળગી પડે અને
ફેંદી વળે છે થેલી, કશું નીકળે નહીં
તારી એ પળમાં કેવી રીતે હું વસી ગયો ?
ઉલ્લેખ જેનો મારી સ્મૃતિમાં મળે અહીં !
અંધારું એટલું તો ડરાવી ગયું મને –
દસ્તક દે સૂર્ય ખુદ છતાં દ્વારો ખૂલે નહીં
વચ્ચેથી આપણી હવે એવી નદી વહે
હોડીઓ ડૂબી જાય છે ને પુલ બને નહીં
(૨૫ ફેબ્રુઆરી ૧૯૯૩)
0 comments
Leave comment