20 - ભાષા છે મારી ઘેલી ને ઘેલી ગઝલ લખું / પંકજ વખારિયા


ભાષા છે મારી ઘેલી ને ઘેલી ગઝલ લખું
કરવી છે વાત રણ વિશે, શબ્દો સજલ લખું

પોતીકું દર્દ છે અને પોતીકા શબ્દ, પણ –
ઊઠે છે તોય પ્રશ્ન કે કોની નકલ લખું ?

ભૂંસાઈ જાય જાત પછી પણ અમર રહે
સૂરજની સાખે એવો ઈરાદો અચલ લખું

આ દર્દમાં ઊપજ હવે કંઈ ખાસ રહી નથી
ચાલો, વ્યથાની સાવ હું નવલી નસલ લખું

જેનાથી વાડી મહેંકતી ને લીલી રહે સદા
છાતીએ એવા નામનો કૂવો અતલ લખું
(૯ માર્ચ ૧૯૯૪)0 comments


Leave comment