24 - ભાઈ રે ! જો તો જરા પંક્ચર છે કે શું ? / પંકજ વખારિયા


ભાઈ રે ! જો તો જરા પંક્ચર છે કે શું ?
કાવ્યોમાં કાણો કો’ અક્ષર છે કે શું ?

શબ્દો રાતે મેજ ઉપર મૂકું છું ને –
હોય સવારે ગુમ : લ્યા, ઉંદર છે કે શું ?

એના ઘર સાથે પણ નાતો એવો કે –
આજે દ્વારેથી પૂછ્યું, ‘ઘર, છે કે શું ?’

આજ થયું ‘વિષયા’નું ‘વિષ’ છો, પી લીધું
પણ, આ કંઈ છેલ્લું વિષયાંતર છે કે શું ?

જીવન જીવ્યાનું ચૂકવણું છે ગઝલો
જોઈ લો ખાતું હવે સરભર છે કે શું ?
(૧૪ માર્ચ ૧૯૯૪)0 comments


Leave comment