27 - એક ચહેરે કેટલું રોપી શકાય ? / પંકજ વખારિયા


એક ચહેરે કેટલું રોપી શકાય ?
રોપીએ, પણ ક્યાંથી જળ લાવી શકાય ?

પહોંચશું ક્યારે નગર ભીનાશના ?
કેટલું આ બીજથી હાંફી શકાય ?

ઠીક છે કે જાત ચાલે છે હજી
બાકી ધારું તે ઘડી થાકી શકાય

સાંજને છેડે કમાણી એ જ કે
રાતને પળભરમાં સપનાવી શકાય ?

ડૂબું સ્વપ્ને આંગળી કરડ્યાં છતાં
થાય ના પોકાર, ના જાણી શકાય

લોક વાદળ જેમ ચાલ્યાં જાય છે
ખાલી કૂવે કોને બોલાવી શકાય ?

સાંભળીને પણ હવે તો ડોર-બેલ
કોઈ આવ્યું, એમ બસ ધારી શકાય

(૨ મે ૧૯૯૪)0 comments


Leave comment