30 - પાણી વિનાનાં વાદળો જેવું નગર મળે / પંકજ વખારિયા


પાણી વિનાનાં વાદળો જેવું નગર મળે
આંખો તો સેંકડો મળે, પણ ક્યાં નજર મળે ?

કંઈ ઓર માપદંડ છે માણસની ભૂખના,
કુદરત તરફથી બાકી બધું માપસર મળે

વરસાદના હજી કોઈ વાવડ નથી, અને –
અણધારી બીજ ફૂટવા જેવી ખબર મળે

મસ્તી તો બાજુએ રહી, માયૂસી વધશે ઓર
માદક-મધુર વસંત જો તારા વગર મળે

સાચે જ સાવ ફિક્કી છે રજૂઆત મારી, પણ –
આપો જો આપ દાદ તો રંગે-અસર મળે.
(૧૫ ડિસેમ્બર ૧૯૯૯)0 comments


Leave comment