31 - વરસાદ ઓણ સારો છે, પણ વાવણી નથી / પંકજ વખારિયા


વરસાદ ઓણ સારો છે, પણ વાવણી નથી;
ઉજ્જડ છે મારા હાથ, ધરા વાંઝણી નથી

અવકાશ ઊગવાનો નથી, મહોરવાની ક્યાં ?
ઊર્મિ તરફ સમયને કશી લાગણી નથી

મારી વિશેષતા તો મને વહાલી છે જ, દોસ્ત !
મારી વિવશતા પણ મને અળખામણી નથી

સંગીત સાંભળ્યું નથી એનું તે આગવું
આ ચૂપ-ચૂપ રેત હજી રણઝણી નથી

કર જલ્દી, પાછી ગર્ભવતી તુજ કલમને કર
તોપોથી તારી ધરતી હજી ધણધણી નથી

(૨૩ જૂન ૧૯૯૮)


0 comments


Leave comment