41 - હાથ હારી જાય છે ને યુદ્ધ પૂરું થાય છે / પંકજ વખારિયા


હાથ હારી જાય છે ને યુદ્ધ પૂરું થાય છે*
હાથથી ક્યાં કોઈ બીજો હાથ જન્માવાય છે !

હાથને પહોંચાડ્યું હાથોહાથ સપનું કોઈએ
સ્હેજ ખોદી જોતાં નફફટ ઝાંઝવા છલકાય છે

એ તો બસ, જીદે ચઢી રીસાઈને બેસી જતું
હાથની મજબૂરી હૈયાને કદી સમજાય છે ?

ગોત્ર એક જ હાથ ને જંગલનું હોવું જોઈએ
હાથની રેખાય બસ થોડે સુધી દેખાય છે

જાય પૂજાનાં કમળ જેવો સવારે હાથ, પણ –
પાછો આવે ત્યાં સુધીમાં કંઈ વખત ખરડાય છે

વાત બીજાની તો ઠીક છે, પણ હવે તો દોસ્તનેય
ક્યાં નિખાલસતાથી કંઈ પણ હાથથી કહેવાય છે !

એક મોટી હાથથી દદડીને દરિયામાં પડે
હાથમાંથી એમ એનો હાથ સરકી જાય છે
(૨૩ ડિસેમ્બર ૧૯૯૫)
* સ્મરણ : શ્રી રમેશ પારેખ0 comments


Leave comment