42 - દેખાડે તું કે મારી નથી યાદ સ્હેજ પણ / પંકજ વખારિયા


દેખાડે તું કે મારી નથી યાદ સ્હેજ પણ
દેખાવે હુંય લાગુ ના બરબાદ સ્હેજ પણ

દરરોજ કેટલી મજા આવે ને ચાલી જાય
તોપણ ચલિત થતો નથી અવસાદ સ્હેજ પણ

જંપીને બેસતો નથી જ્યાં સગ્ગો શ્વાસ તો –
ઊભડક મળ્યાની થાય શું ફરિયાદ સ્હેજ પણ

એવા સ્થળે ભીતરના કદી ચાલ્યો જાઉં છું
તારોય પહોંચી ના શકે જ્યાં સાદ સ્હેજ પણ

કહેવાય ચર્ચા એને કે સંવાદ સ્થાપે જે;
હો વાદ સૌના, હોય ન પ્રતિવાદ સ્હેજ પણ

ઊંડી, અનોખી છે કૃપા, અવહેલના નથી –
આપે ન દાદ જો તને ઉસ્તાદ સ્હેજ પણ

છે એ જ રાઝદાર, જે જાણે છે વણકહ્યે
- ને સાંભળે તો રાખે નહીં યાદ સ્હેજ પણ

(૨ ફેબ્રુઆરી ૧૯૯૬)0 comments


Leave comment