44 - અને મારી હયાતીનો પુરાવો સાંપડે છે, દોસ્ત / પંકજ વખારિયા
- અને મારી હયાતીનો પુરાવો સાંપડે છે, દોસ્ત !
કે લોહીઝરતો છાતી પર ઉઝરડો સાંપડે છે, દોસ્ત !
પછીથી સ્વાર્થની કંઈ કેટલીયે વાત નીકળે છે,
શરૂમાં હાથ મૈત્રીનો અમસ્તો સાંપડે છે, દોસ્ત !
સવારે દ્વાર આંખોના ખૂલે ને સૂર્યના હાથે –
આ લમણા પર તકાયેલો તમંચો સાંપડે છે, દોસ્ત !
બને કે એમાં સૂતેલો મળે શૈશવનો સાથીદાર –
કે પગ મૂકતાં જ પાદરમાં જનાજો સાંપડે છે, દોસ્ત !
કરું શું, આદમી ઘરનો મળતિયો મૃત્યુનો નીકળ્યો
આ જીવણલાલ ખુદ પોતે ફૂટેલો સાંપડે છે, દોસ્ત !
(૧૪ ડિસેમ્બર ૧૯૯૬)
0 comments
Leave comment