46 - જે ઘડી સુમિરન ગહન થઇ જાય છે / પંકજ વખારિયા


જે ઘડી સુમિરન ગહન થઈ જાય છે
બોલવું કંઈ પણ સ્તવન થઈ જાય છે

મન-સમંદરમાં તણાતા ખ્યાલ પર
થાય કાબૂ તો મનન થઈ જાય છે

છાતી ફૂલાવીને ફરતી ‘હસ્તી’ના
દર્પણે નીચાં નયન થઈ જાય છે

મેળવે બહુ દાદ તો જોયું છે મેં;
આ ગઝલ પણ બદચલન થઈ જાય છે

હેલી રણમાં પ્રેમની ક્યાં ? પણ, ક્ષણિક –
ઓસ સાથે સંવનન થઈ જાય છે

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે

અંધ હો તો એ કશું બીજું હશે
પ્રેમ તો દૈવી નયન થઈ જાય છે

(૩૦ ડિસેમ્બર ૨૦૦૦)0 comments


Leave comment