48 - વાત, દિલની સૌને સમજાતી નથી / પંકજ વખારિયા
વાત દિલની સૌને સમજાતી નથી
માત્ર શબ્દોમાં એ કહેવાતી નથી
જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી
જિંદગી વીતે છે, જિવાતી નથી
આંખમાં આંસુ નથી, એવું નથી
છે છલોછલ, એથી છલકાતી નથી
મૂકવાની છે હથેળી પર સુગમ,
ભાગ્ય પર કંઈ મહેંદી મુકાતી નથી
એ નથી કંઈ શંખપુષ્પીનો કમાલ
વસ્તુ હો સારી તો વિસરાતી નથી
એવો સત્કારે સૂરજને કે થતું –
ઓસથી ભીનાશ જીરવાતી નથી ?
બસ, ગમું છું એને હું, ને એ મને,
વાત કંઈ આગળ ધપાવાતી નથી
(૨૦ સપ્ટેમ્બર ૨૦૦૧)
0 comments
Leave comment