49 - આખરે આઝાદી પામ્યો યાદથી / પંકજ વખારિયા
આખરે આઝાદી પામ્યો યાદથી
પણ, જવાયું દૂર ક્યાં અવસાદથી
કાં બળી જા, કાં બુઝાવી દે તું ખુદ,
આગ ઓલાતી નથી ફરિયાદથી
ભીતરે પણ ભેજ હોવો જોઈએ
કાવ્ય કંઈ ટપકે નહીં વરસાદથી
પુષ્પ કે પથ્થરને ગણવામાં ન પડ
માપ તારું કાઢ ના પ્રતિસાદથી
એકલી ખામોશી ભારે થઈ પડે
કંઈ વળે ના શબ્દની તાદાદથી
વેશ ભજવી લે ઉદાસીનો હવે
લોથ થાકીને થયો ઉન્માદથી
લાગશે એ શહેર બસ, બે પળ નવું
જાવ ‘હાંસિલપુર’ ‘મુરાદાબાદ’થી
(૨૮ સપ્ટેમ્બર ૨૦૦૨)
0 comments
Leave comment