52 - ઢળેલો કાલનો સૂરજ લઈ સવાર ઊઠે / પંકજ વખારિયા


ઢળેલો કાલનો સૂરજ લઈ સવાર ઊઠે
તૂટેલા સ્વપ્નની કરચો ઉપર ઝગાર ઊઠે

નવી જ તાજગી લઈને સકળ જગત જાગ્યું
કરી ઇજાફો ઉદાસીમાં બેકરાર ઊઠે

અમારી વચ્ચેની દૂરી સમો સમુદ્ર અહીં –
ધસી પડે છે, જો ભૂકંપ પેલે પાર ઊઠે

શ્વસું તો છું છતાં કહી ના શકું શ્વસન મારું
તરત અટકશે ધમણ અહીંથી જો લુહાર ઊઠે

કમાડ ખૂલ્યાં, કોઈ આવ્યું, પણ પથારીમાં –
રહે છે દેહ પડેલો જ, ને બીમાર ઊઠે

(૨૩ ડિસેમ્બર ૨૦૦૬)0 comments


Leave comment