54 - મારી તરસના શું તને વાવડ નથી મળ્યાં ? / પંકજ વખારિયા


મારી તરસના શું તને વાવડ નથી મળ્યાં ?
યા જળ ભરીને લાવવા કાવડ નથી મળ્યાં ?

હું તો નથી જ, કિન્તુ સુકાતા ગળાની સાથ
ખોદે તળાવ એવા કોઈ ભડ નથી મળ્યાં

પ્રશ્નોની ચિંતા કરવા મળેલી સભામાં, દોસ્ત !
માથાંઓ માતબર મળ્યાં, પણ ધડ નથી મળ્યાં

લઈ લે છે છૂપા હાથે બધાં વળતું કંઈ તરત
બહુ જોયા દાની, પણ કોઈ ઓધડ નથી મળ્યાં

મલ્હાર મનથી ગાઈએ તો માની પણ જશે
વાદળ રીસાયેલાં છતાં અક્કડ નથી મળ્યાં

(ઓક્ટોબર ૨૦૧૦)0 comments


Leave comment