64 - શબ્દ કોનો, કોણ ઝીલે છે કદી, શું બોલીએ ? / પંકજ વખારિયા


શબ્દ કોનો, કોણ ઝીલે છે કદી, શું બોલીએ ?*
ક્યાંક ઊંધી, ક્યાંક કાણી બાલદી, શું બોલીએ ?

બોલો તો બોલાયેલા શબ્દોનું અર્થાંતર કરી
પોતપોતાને રહે છે સૌ વદી, શું બોલીએ ?

ખુશબૂ ફેલાવી શકીએ બસ, અમે બંને તરફ
સાંઈ-સીંચ્યા વૃક્ષ છીએ સરહદી, શું બોલીએ ?

વ્યક્ત હું થઈ જાઉં છું મારા પૂરા દીદારથી જ
આપ સમજી નાં શક્યા હાલત કદી, શું બોલીએ ?

એક પ્યાલો પાણી ધરવાનો ધરમ ચૂકી જઈ
આપ દેખાડો છો નકશામાં નદી, શું બોલીએ ?

પ્રેમમાં પણ આપ શિષ્ટાચારનાં છો આગ્રહી,
- ને અમારી લાગણી તો તળપદી, શું બોલીએ ?

મન હતું મળવાનું એથી ફોન જોડ્યો, ને તમે –
કહી દીધું પહેલાં જ : આવો કો’ક દિ’, શું બોલીએ ?
(* સ્મરણ : શ્રી રમેશ પારેખ )
(૧૩ એપ્રિલ ૨૦૧૦)0 comments


Leave comment