67 - લે, ફરીથી એ જ નાટક માંડ તું / પંકજ વખારિયા


લે, ફરીથી એ જ નાટક માંડ તું !
ચલ, સમયની સાથે ધક-ધક માંડ તું !

દૃશ્ય સૌ ખૂંખાર થઈ ઘેરી વળ્યાં
સ્મિત સાથે દૃષ્ટિ વેધક માંડ તું !

આ બધું દેખાય છે બસ, છે નહીં
ચિત્રપટને ચીર, ત્રાટક માંડ તું !

સત્ય સીધું કોણ સાંભળવા સમર્થ ?!
પહેલાં થોડી વાત રોચક માંડ તું !

સંભવિત છે તો જ મુકમ્મલ ગઝલ –
શબ્દને ‘સુ-ડો-કુ’ માફક માંડ તું !

બારણાં-બારી ફરી મહોરી ઊઠે
કંઈ પ્રતીક્ષા એવી પાવક માંડ તું !

શૂન્યતાનો ત્યાં જ સાક્ષાત્કાર થાય
સાવ અંતરિયાળ થાનક માંડ તું !
(૨૯ મે, ૨૦૦૭)



0 comments


Leave comment