68 - જડતી નથી તને છતાં, જડ ક્યાંક તો હશે / પંકજ વખારિયા
જડતી નથી તને છતાં, જડ ક્યાંક તો હશે
અથવા તો આખું વૃક્ષ નજરનો દગો હશે
જડનીય જડમાં બીજ ને શાખાનો છેડો બીજ
આજે પ્રજા છે, તે જ કદી પૂર્વજો હશે !
જન્મે છે જયારે પણ જુદી માટીનો માનવી
‘હોવા’ના રંગસૂત્રમાં ફાંટો પડ્યો હશે
કુદરતની ફાંટાબાજી આ અમથી જ કંઈ નથી
છેડો નજીક આવે ત્યાં રસ્તો કર્યો હશે
તકદીર તો જણાય છે યાત્રા સતત, છતાં –
માનું મુકામ આખરી પણ ક્યાંક તો હશે
(૨૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
0 comments
Leave comment