69 - ગાંઠ છોડી શકું બસ, નજર માંડું તો / પંકજ વખારિયા


ગાંઠ છોડી શકું બસ, નજર માંડું તો,
ગાંઠ પડતી વખત બસ, નજર રાખું તો

આમ દેખાવે દેખાય શીતળ મધુર
નીકળે સાવ ઝેરી, નજર ચાખું તો

રિક્ત રણભૂમિ છે, કોઈ ક્યાંયે નથી
હું જ સામે દીસુ, જ્યાં નજર તાણું તો

આંધળા આંગળા દ્વાર ફંફોસે જ્યાં
છે ભલા ભીંત પણ ક્યાં નજર પાડું તો

વાવના સ્તબ્ધ જળમાં પ્રગટશે તરંગ
ચલ, જરા પાવલીભર નજર નાંખું તો

ક્યાંયે નજરે નથી પડતું એવું જડે
આંખ વાખી લખેલી નજર વાંચું તો

શેષ રહી જાય છે શૂન્ય કેવળ પછી
આ નજરથી કદી એ નજર ભાગું તો
(૨૫ ઓગષ્ટ ૨૦૧૦)0 comments


Leave comment