71 - સ્પર્શોથી દૂરનું અને દૃશ્યોથી દૂરનું / પંકજ વખારિયા
સ્પર્શોથી દૂરનું અને દૃશ્યોથી દૂરનું
વાણીને બોલવું કશું શબ્દોથી દૂરનું
આંસુ ન આંખમાં, નથી ઊંહકારો હોઠ પર
ઝરવું ઝમીરનું હવે જખમોથી દૂરનું
મારી તડપ જે ઝંખે છે, શું નામ એને દઉં !
છે ચિત્ર એક રેખા ને રંગોથી દૂરનું
સહેજે ન ફાટે-ફીટે, ન ભીંજે, ન ભડભડે
ઓઢી લે એવું આવરણ વસ્ત્રોથી દૂરનું
ના રહી એ મૂંઝવણ હવે કંઈ બાજુ ચાલવું
દેવળ દીઠું મેં દિલમાં દિશાઓથી દૂરનું
(૪ જાન્યુઆરી ૧૯૯૮)
0 comments
Leave comment