74 - ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર / પંકજ વખારિયા
ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર
લોલક સમી છે મનની ગતિ, બેસ થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર
જોવા – ન જોવા જેવું ઘણું જોયું બસ, હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર
અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર
ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર
(જૂન ૨૦૦૧)
0 comments
Leave comment