75 - વિરમ્યું બધું, ચાલે શ્વાસ કેવળ / પંકજ વખારિયા


વિરમ્યું બધું, ચાલે શ્વાસ કેવળ
યાત્રી નથી, છે પ્રવાસ કેવળ

હોવું થયું ફૂલથી ય હળવું
રહી ગઈ હવે બસ, સુવાસ કેવળ

આંખો મીંચી ને આ નેત્ર ખૂલ્યું
સળગ્યું બધું, શેષ ઉજાસ કેવળ

અસ્તિત્વના લયથી લય સધાયો
જીવન પછી એક રાસ કેવળ

‘હોવા’ વિશે રહે ન કોઈ તૃષ્ણા
‘હોવું’ પછી છે વિલાસ કેવળ

પુષ્પો જ નહીં આ પાનખર પણ
અસ્તિત્વનો છે લિબાસ કેવળ

ના હોય ભલે પ્રગટ, છતાં છે –
અંધાર ભીતર ઉજાસ કેવળ

(૨૩ માર્ચ ૨૦૦૮)0 comments


Leave comment