78 - તું જ છે, કંઈ જ તુજ સિવાય નથી / પંકજ વખારિયા
તું જ છે, કંઈ જ તુજ સિવાય નથી
કહેવું આ સાવ ‘હું’ વિનાય નથી
આ બધી અડચણો ખરું જોતા –
લાંબુ અંતર છે, અંતરાય નથી
દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે
આંખ મીંચ્યા વિના ઉપાય નથી
માત્ર બદલાય અહીંયા પાત્ર જરા
વિશ્વના મંચથી વિદાય નથી
શબ્દ જંપ્યા ને દૃશ્ય અસ્ત થયાં
ૐ છે બસ, ‘નમ: શિવાય’ નથી
(૧૨ ઓક્ટોબર ૨૦૦૩)
0 comments
Leave comment