23 - તું સમરથ, હું રાંક... / હરિશ્ચન્દ્ર જોશી


તું તો સમરથ, હું ભાયગથી રાંક
સાંયા રે ! મારો કિયો ગુનો, કિયો વાંક ?

ખાંગા થઈ વરસે છે બારે ગગન
       એની વાછંટ જીવને ન અડકે,
ઊકળતા દિ’ અને બળબળતી રાત
       મારી ખોબા શી છાતીમાં ખળકે

       દઈ મારગ કંઈ દીધા વળાંક....

જીવતર દીધું દઈને શ્વાસોનું પીંજરું
       વેરીને સપનાનું ચણ,
ચીતરેલી બારીમાં મૂક્યું આકાશ
       દીધું ઊડવું દઈ પાંખોમાં વ્રણ;

       મને વ્હાલપના રેશમથી ઢાંક...


0 comments


Leave comment