5.10 - લાઈફ ભલે બિઝનેસ નથી, પણ હિસાબો તેમાં જરૂરી છે ! / સંવાદ / જ્વલંત છાયા


      ડિસેમ્બર માસનું છેલ્લું સપ્તાહ શરુ થાય કે તરત ચેનલો પર એક વર્ષના અતીત કે અતીતનાં એક વર્ષનું અનુસંધાન શરુ થઇ જાય, કૈસા રહા યે સાલ... છાપાઓમાં પણ દુનિયાથી લઇ નગર સુધીની ઘટનાઓ ફોટાઓ સાથે છપાય.... જાન્યુઆરી કે આપણે ત્યાં કારતકમાં વળી જ્યોતિષીઓ પણ વર્ષફળ આપે, ભાવી ભાખે. આ જ તો માણસની જિંદગીની કરુણતા છે. ભૂતકાળ જોયા કરવો, ભવિષ્ય વિશે વિચાર્યા કરવું !! વર્તમાન ? તો કે એ તો રામ જાણે ! ડિસેમ્બર આપણા તારીખિયાનાં વર્ષનો-કેલેન્ડર ઇયરનો અંતિમ માસ છે અને માર્ચ નાણાકીય વર્ષનો છેલ્લો માસ.

      દેશીનામા પદ્ધતિ અનુસાર સફેદ રંગના દોરા વાળા પેલા લાલ ચોપડા કે ખાતાવહીમાં જમા અને ઉધાર, ઉપાડ પેટે વગેરે જે લખાય તે આપણા દેશી હિસાબ અને તેનો અંત આવે આસો વદ અમાસે. દિવાળીએ ચોપડા પૂજન અને લાભ પાંચમે નવા મુહૂર્તની પરંપરા કંપ્યુટરાઈઝ્ડ હિસાબી પદ્ધતિના સમયમાં પણ જળવાઈ રહી છે. પરંતુ હવે મોટાં ભાગે હિસાબો તો એપ્રિલ ટુ માર્ચ જ લખાય છે. પેઢી હોય કે કંપની માર્ચની ૩૧ તારીખે બેલેન્સ શીટ તૈયાર જ હોય ! આ એક માસને જરા એલોબરેટ, એનલાર્જ કરીને જોઈએ તો વેપાર હોય કે જીવન હિસાબો સતત કરવા અને રાખવા પડે છે. પોઝિટીવ કે નેગેટીવ કોઈ પણ અર્થ કાઢીએ પરંતુ માણસ હિસાબ રાખે છે. હિસાબ માણસના માનવજીવનના સ્વભાવમાં છે.

      માસ કોઈ પણ હોય દુનિયામાં ઘટનાઓ બનતી રહે છે, હિસાબો મંગાતા-અપાતા રહે છે. ૨૦૧૨માં ક્રોંગ્રેસે શેરી-ગલીમાં ફરીને કહ્યું હતું, ‘હિસાબ દો જવાબ દો’ ગુજરાત સરકારનાં કામોનો હિસાબ માંગતી કોંગ્રેસને પ્રજાએ ઉત્તર પ્રદેશ, ગોવા અને છેલ્લે ગુજરાતમાં હિસાબ અને જવાબ બંને આપી દીધા હતાં. એ સમય હતો જ્યારે ૧૦૦ મી સેન્ચ્યુરી કરવાના જોમ અને આશમાં સચિન તેંદુલકર સતત દોડ્યે રાખતો હતો અને બીજી તરફ રાહુલ દ્રવિડ પણ હતો જેણે પીચ પરથી ગરિમાપૂર્ણ રીતે વિદાય લીધી હતી. દાવ આવે કે ન આવે, બેટ પકડીને એક છેડે ઊભા રહેવું તે ફિટનેસની નિશાની નથી. પરંતુ અન્ય કોઈ પણ સ્થળે હવે આપણે મિસફીટ છીએ તેનું એ પ્રમાણ છે.

      આફ્ટરઓલ કેરિયર કે જોબ પણ હિસાબ માંગે છે. અને આનંદ ફિલ્મનો સંવાદ છે ને, ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ બાબુ મોશાય’ તેમ વ્યક્તિ ક્યાં કેટલાં વર્ષ કાઢે છે નહીં, તે વર્ષોમાં કેવું નોંધનીય કામ કરે છે તેનો હિસાબ મહત્વનો છે. કેટલાય વ્યવસાયમાં વર્ષો કરતાં ક્ષણ મહત્વની હોય છે. આર્મીમાં ૩૦ વર્ષ રહી કોઈ વોરમાં ગયા વગર નિવૃત્ત થવું અને બે જ વર્ષની ફૌજની નોકરી પછી સીમા પર લડવાની તક મળવી બંને વચ્ચે ફર્ક છે. જર્નાલિઝમમાં બેઠા બેઠા મહિનાઓ કાઢવાં અને કારકિર્દીની શરૂઆતમાં હુલ્લડ, ધરતીકંપ, પુરના અહેવાલો લખવા કે સેલિબ્રિટીઝનાં ઈન્ટરવ્યું લેવા તે જુદી વસ્તુ છે. ડોકટર બનીને કમ્ફર્ટ ઝોનમાં કોર્પોરેટ હોસ્પિટલમાં કામ કરવું અને ભૂકંપગ્રસ્તોને ટેન્ટમાં સારવાર આપવી બંને હિસાબની બાબતો છે !!

      કોઈપણ તબ્બકે, કોઈ નિયત સમયે હિસાબો આપવાના રહે છે. હિસાબ અને માર્ચ માસને આમ પણ સંબંધ છે. જેમ નાણાકીય વર્ષનો અંતિમ તબક્કો છે તેમ શૈક્ષણિક વર્ષનો પણ તે ઉતરાર્ધ છે. ચૂંટણીની જેમ પરીક્ષા પણ આખરે હિસાબ છે ને ? આખું શૈક્ષણિક વર્ષ જે શીખ્યા, જે ભણ્યા તેનો હિસાબ ત્રણ કલાકમાં આપી દેવાનો. પરીક્ષા વિદ્યાર્થીઓએ પોતાની આવડત, યાદદાસ્ત માટે આપવાનો હિસાબ જ છે વળી ! આપણે બારીકાઇથી જોતાં નથી બાકી કઈ એવી વસ્તુ છે જે હિસાબથી પર છે ? પ્રેમમાં હિસાબો હોય નહીં પણ લોકો તો એ ય રાખે જ છે ને ? સંબંધો, વ્યવહારો બધામાં હિસાબ. લગ્નને કહેવાય પવિત્ર પરંતુ તેમાં ય નોંધ તો રખાય જ છે, દીકરીને શું દીધું અને કોણે કેટલું વધાવું આપ્યું તેના ય હિસાબો હોય છે. અને લગ્નજીવન પણ હિસાબોથી ક્યાં પર છે ?

      કોઈ એક ડેઈટ-ટાઈમ આવે છે જ્યારે લેખાં-જોખા આપવાના રહે છે, આખરે એકાઉન્ટેબિલીટી પણ કોઈ ચીજ છે ! આપણે ક્યાંય ને ક્યાંય કોઈ ચોક્કસ સમયે હિસાબ આપવા બંધાયેલા છીએ. જો સેલ્સ કે માર્કેટિંગમાં કામ કરો છો તો દર મહિને કે દર ત્રણ મહિને કેટલું વેચાણ કરવું તેના ટાર્ગેટ અપાય છે. કેટલું કામ થયું તેના હિસાબ રખાય છે. કમિશનના હિસાબ છે. નફાના હિસાબ છે.

      વેપાર જ નહીં આપણો ધર્મ, આપણા શાસ્ત્રો પણ હિસાબની વાત કરે છે. કર્મની થિયરી શું છે ? કર્મોના બંધન, કર્મોમાંથી મુક્તિ શું છે ? એ આખરે હિસાબો જ છે ને ? સત્કર્મ અને કુકર્મના હિસાબો થાય છે. તે અનુસાર ફળ મળે છે અને તે અનુસાર પછીનો ભવ, અવતાર, જન્મનું કુળ કે મોક્ષ નક્કી થાય છે ! ફક્ત હિંદુ ધર્મ જ નહીં ઈસ્લામ પણ એવી માન્યતા ધરાવે છે ને કે કયામતના દિવસે ખુદાના ફરિસ્તા કર્મોનો હિસાબ માંગશે. ચિત્રગુપ્તનો ચોપડો અને સ્વર્ગ-નર્ક શું છે ? હિસાબો જ છે. આપણા સંતોએ પણ અલબત્ત અનકોન્સિયસલી-પણ હિસાબની વાત કરી જ છે ને ? જીની જીની જીની, ભીની ચદરિયાં.... જ્યોં કિત્યોં ધર દિની ચદરિયાં... એ જ સંદર્ભ રાજેન્દ્ર શુક્લે પણ કેવો લીધો – ‘અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.’ હરિઓમ શરણના ભજનમાં પણ એ જ વાત, ‘ઇન પૈરોં સે ચલ કર તેરે મંદિર કભી ન આયા, જહાં જહાં હો પૂજા તેરી કભી ન શિશ ઝુકાયા, હે હરહિર મૈં હાર કે આયા કે આયા અબ ક્યા હાર ચઢાઉ....’

      માર્ચના અંતે હિસાબો આપવાના, રજૂ કરવાના હોય છે. આમ તો શરૂઆતથી અંત સુધી આપણે દરેક ક્ષેત્રે દરેક તબક્કે હિસાબો માંગતા અને આપતા ફરીએ છીએ. એન.ચંદ્રાની અંકુશ ફિલ્મના છોકરે લોગ જેવું કોઈ વળી ઈશ્વરથી નારાજ હોય તો કહે, ‘ઉપર વાલા ક્યાં માંગેગા હમ સે કોઈ જવાબ, ભારી પડેગા કહેના સુનના હમ સે અરે જનાબ, જવાબ હમ માંગેંગે, હિસાબ હમ માંગેંગે....’ માણસ ઈચ્છે કે ઈચ્છે તે જન્મે ત્યારે તેનું સ્થૂળ રીતે વજન થાય તે પછી તે અલગ અલગ પ્રકારનાં ત્રાજવડે તોળાતો રહે છે. માણસને માપવાના અનેક માપદંડ છે. અનેક પેરામીટર્સ છે. હિસાબો થતા રહે છે. કુદરત કે અન્ય લોકો દ્વારા બદલ અપાતા રહે છે. સરવૈયું સારું રાખવા શું કરી શકાય? જો હિસાબો સારી રીતે મેળવવા હોય, બેલેન્સશીટ સારું રાખવું હોય, હિસાબો આપણને ગમે તેવા રાખવા અહોય તો વ્યવહારો ચોખ્ખા રાખવા જોઈએ ! કેમ કે કેલેન્ડરની ૩૧ માર્ચ ક્યારે આવે તે નક્કી છે, લાઈફનો એકાઉન્ટ સબમિશન ડે આપણને ખબર નથી.


0 comments


Leave comment