3 - એબ્સર્ડ નાટ્યગઝલ / નયન દેસાઈ


એક આવી સતેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે,
એક (ધીમેથી) : ‘અહીં એકાંત જાણે ઘૂઘવે છે !’

ને હવા કણસ્યા કરે છે ફેફસાંમાં (આંખ મીંચી),
લ્યો કહે છે : ‘આ બધું તો યુગ-યુગે સંભવે છે !’

બે (અચાનક આવતાં) : ‘લોહી જેવું શું બળે છે ?
બંધ કામરાને (હસે છે) ધુમાડો ભોગવે છે !’

એક (મુઠ્ઠી વાળતાં) : ‘રાહ જોવાની છે કોની ?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે ?’

બે (અચાનક ભીંત પાસે જઈ) : ‘મને તું છોડ છોડી દે,
કાલના કરમાયલા સ્પર્શો હજી તો ટેરવે છે !’

‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે ?’
‘સાંભળે છે ?(એક પાસે જઈ) વિહંગો કલરવે છે !’

એક (બોલે છે સ્વગત) : ‘આકાશમાંના હે પિતા !’
- બે તરફ ધારીને જૂએ, મીણબત્તી હોલવે છે !



0 comments


Leave comment