4 - માણસ – ગઝલ / નયન દેસાઈ
આ તૂટેલા, ફૂટેલા ચહેરાઓ પર મોર તરસ્યાં નિસાસાના ટાંકો હવે;
કે આકાશ જેવી નિરાધારતા લઈને જન્મેલા માણસને ઢાંકો હવે.
આ હોવાની, જોવાની, રોવાની આપણને એવી કકળતી કુટેવો પડી;
કે શ્વાસોના સૂમસામ રસ્તામાં આવે છે માણસગીરીના વળાંકો હવે.
આ જન્મોના જન્મોની સરહદ વટાવીને આવ્યો છે ફૂંકોની વણજાર લૈ;
કે દર્પણના તૂટેલા ટુકડાની સાથે પણ માણસની કિંમત ન આંકો હવે.
આ મારામાં જન્મ્યું છે પડછાયાનું એક લખલૂંટ રણ ને હું લાચાર છું;
કે મારામાં આવીને સંતાઈ બેઠેલા ઘરફોડું માણસની હાંકો હવે.
આ લોહીમાં પીળો સૂરજ થઇ સળગવાની માણસને એવી તો ગમ્મત પડી;
કે દાઝી ગયો છે એ ચોમેરથી, એનો તૂટી ગયો ટાંકે ટાંકો હવે.
0 comments
Leave comment