5 - એક સ્ટીરિયોફોનિક પ્રતિક્રિયા / નયન દેસાઈ


લાંબું ને લાંબું ને લાંબું ને લાંબુ ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.

આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.

વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તકતા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.

ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.

બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.

ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠુંસકું ને રૈ’જા ને થૈ જા ને ચરરર સગપણ બાંધ !0 comments


Leave comment