6 - આંચલિક ગઝલ / નયન દેસાઈ


વેલ ખખડધાજ, સાંજ અહૂરી, ઝાંખી કેડી ડચકારો,
આંખ-છાજલી-પડછાયો ને અમુક રાસ-વા ભણકારો.

ક્યાંક મળે સંતાઈ જવાનું એની છાની હાંગણ-હૂંગણ,
આમ પડાળી વચ્ચે હીંચકો ને કકકડભૂસ મોભારો.

કોઈ નદી જેવી છાતી ઓંડરમાં લઈને ધવડાવે,
જીભ લટકતી રાખી કોઈ બેઠો છે તરસ્યો ઓવારો.

દૂર... પડો વાગે છે જાણે ભીંત પડી, ઉંબર ફાટ્યો,
કોણ કરે છે શ્વાસોનાં છીંડાં પાછળથી અણહારો ?

હાથ સળગતા હોય અને ફાનસ જેવું અજવાળું થાય,
નાંખ સમયના ભંઠોડામાં એક વધારે અંગારો.

એક સડેલા થુંભા પર આકાશનું મુડદું લટકે છે;
સાવ ઉઘાડી એકલતાને મળ્યો ન ખૂણો-ખૂંપારો.

એક ધુમાડો થઈ બળીએ દાદા ! લૂખિયામાં તંબાકુ,
હોઠ ઉપર ટીંગાઈ રહ્યો છે વર્ષોજૂનો હોંકારો.

અંત વગરના રસ્તાનું અંગૂઠે અણવટ પહેરી લો;
રાહ જુઓ આ ફા – તી ફા – ના વાવડ લાવે હલકારો.



0 comments


Leave comment