7 - પીગળી જઈએ / નયન દેસાઈ


ડાળ વગરની ડાળ ઉપરથી પાંખ વગરનું પીંછું થઈએ, ટહુકો થઈએ, છટકી જઈએ,
ચાલ હવે છાતી વીંધીને આંખ વગરનું આંસુ થઈએ, ડૂમો થઈએ, પીગળી જઈએ.

કોણ ભલા સાંભળવાનું છે બળબળતી ચીસો તારી આ પદાઘાઓના મહાનગરમાં ?
નાગ પરિચયના વીંટાળી નામ વગરનું મહોરું થઈએ, શબ્દો થઈએ, થીજી જઈએ.

કાંધ ઉપર ક્ષિતિજ અને ક્ષિતિજ અને ક્ષિતિજ અને દૃષ્ટિમાં ધુમ્મસનાં વાદળ લૈ,
સાંજ-સવારોની ગલીઓમાં છાપ વગરનું પગલું થઈએ, રસ્તો થઈએ, ભટકી જઈએ.

કોઈ દિવસ તો બની છાકટા સૂરજ જેવા સૂરજને પણ રામપૂરી હુલ્લાવી દઈએ,
ઘોર પછી અંધારું ઓઢી નીંદ વગરનું શમણું લઈએ, ફાંસો થઈએ, લટકી જઈએ.

ચૂપ રહીને જોયા કરીને સાવ અજાણ્યું અંત વગરનું ભર્યું-ભાદર્યું રણ માણસનું,
હોઠ બળે તો બળવા દઈએ, મૌજ વગરનું મોજું થઈએ, તણખો થઈએ, સળગી જઈએ.



0 comments


Leave comment