8 - નાર્કોલેપ્સી* ગઝલ / નયન દેસાઈ
એક મહેલ બરફનો ભાંગ્યો એમાં વેરણ કાચના ટુકડા
લોલ નદીને કાંઠે બેસી પાણી પીધું બુકડેબુકડા
એક તમાચો કાળા હાથે આહત થઈને પડ્યા વમળમાં
લોલ અજાણી ભીંતને છાંયે બે-ત્રણ ઘર બેઠેલા અધુકડા
ખિન્ન ખખડતાં પર્ણો વચ્ચે વગાડો કચ્ચડ કચ્ચડ ચાલે;
લોલ પીઠેથી રેલા નીતરે લોહી પસીને સજ્જડ લૂગડાં
આગ હશેની રોમાંચિત શંકાથી જોયું સાવ હથેળી કોરમ કોરી,
લોલ અમે કર પસવાર્યો તો વિસ્ફારિત સૌ દૃશ્ય ટચૂકડાં
સાંજ પડી ને અક્ષરદેહ સૂરજનો વાદળ તાણી ચાલ્યાં
લોલ નગર પર ધૂળની ડમરી, ભગ્ન મકાનો, સૂના ઝરૂખડાં
* નાર્કોલેપ્સી – એક રોગ જેમાં ગમે ત્યારે ઊંઘ આવે.
0 comments
Leave comment