10 - પરકમ્મા ગઝલ / નયન દેસાઈ


આંખથી આકાશ સુધી વિસ્તરેલું તૃણ હો;
સૂર્ય, મારી દૃષ્ટિની સરહદ સદા મસૃણ હો.

આંખથી આકાશ સુધી વ્યાપ્ત છું હે ! જિંદગી;
શ્વાસનું ઘટશ્રાદ્ધ કરવા જેટલું યે લૂણ હો.

સૂર્ય, મારી દૃષ્ટિનો સંપુટ કિરણથી ઝળહળો;
અર્ધ્યમાં અર્પી તમે એ સૌ શ્રુતિ અક્ષુણ હો

આંખથી આકાશ સુધી ઝળહળાતો ગર્ભ છું;
કે ખૂટે તિમિરાસ્ત્ર તો પણ પૂર્ણ રક્ષિત ભ્રૂણ હો.

સૂર્ય મારી દૃષ્ટિની ઋત્વા બને રજસ્વલા;
મારી રણલખ શુષ્કતા પર કો’ લીલુંછમ ઋણ હો.



0 comments


Leave comment