11 - એક સાપેક્ષવાદી કાવ્ય / નયન દેસાઈ
પળ વચ્ચે છળ, ક્ષણ વચ્ચે રણ, ક્યાંય નહીં હું,
છટ વચ્ચે તટ, રઢ વચ્ચે શઢ, ક્યાંય નહીં હું.
કોઈ કહે છે સ્ટેશન આવ્યું, કોઈ કહે છે ગાડી આવી,
ચડ વચ્ચે પડ, પથ વચ્ચે રથ, ક્યાંય નહીં હું.
કોઈ સફરજન નીચે ટપક્યું, કેમ સફરજન? કેમ સફરજન ?
શક વચ્ચે ધક, अब વચ્ચે कब, ક્યાંય નહીં હું.
કોઈ કવિતા અથવા કાગળ અથવા કાસમ અથવા કાતર
લખ વચ્ચે નખ, તટ વચ્ચે છટ, ક્યાંય નહીં હું.
એક કહે છે કે બા ચા પા, એક કહે છે ના ભા મધ ખા,
હા વચ્ચે ના, કપ વચ્ચે તપ ક્યાંય નહીં હું.
કોઈ કહે છે ગાડી આવી, કોઈ કહે છે સ્ટેશન આવ્યું,
ભખછક ભખછક, ભખછક ભખછક ક્યાંય નહીં હું.
0 comments
Leave comment