12 - ગાડીમાં કાવતરાની ગઝલ / નયન દેસાઈ
છાતીમાં લોખંડી પાટા સમાંતર ને દોડે છે ચારે દિશા જાને છુક રે છુક
આંખોની બારીમાં ખેડૂત ને ઝૂંપડું ને ઝંડી ને ઊડતા ધુમાડામાં કૂક રે કૂક
ક્યાંથી તે ક્યાંથી તે ક્યાં ક્યાં સુધીની લાંબી સફર છે તે ગાડીમાં કાવતરું
કે ઝાંખા ધબ્બ ડબ્બામાં ઉતારું પડછાયા કોની કરે છે આ લે મૂક રે લે મૂક ?
(બરાબર છે ૯.૦૦ no no only for five minutes હા જી સાંજે તો પાછા ક્વીનમાં. નથી વાત કરાવી તો પણ સાલો છોડતો નથી. ઝોકું આવે છે. પેલી બાઈ પણ પાટિયા પર માથું ઢાળી....अगर सहयात्रीयों को असुविधा हो तो....)
બુઢ્ઢાની આંખોમાં લાચારી ચળકે છે, બત્તીની ઝાંખપમાં ચહેરાઓ સળગે છે,
પેટ્રોલની ઝળહળતા મરક્યુરી રસ્તા પર બાજુમાં બેઠેલા ડોસાનું થૂક રે થૂક.
(કાલે લોહીનો રિપોર્ટ આવી જશે સાલું વાડીલાલમાં એક વાર જાવ એટલે ખલાસ, જાને લખનૌની ભૂલભૂલૈયા. એ ભૈયા, સીંગ હવાયેલી તો નથી ને ? આ બેબી ક્યારની ય રડે છે અને બેન તો હીં, હીં, હીં, છોકરાએ ખોરી સીંગનો દાણો ફેંક્યો તે પેલી બાઈનાં ઉત્તુંગ....)
આવે છે, પૂછે છે, બેસે છે, લેટ્રીન કઈ બાજુ છે, હાંફે છે, બીડી સળગાવે છે
ને દિશાઓ ચીરતી સિસોટીમાં તફડે છે કાગળનાં પંખીનું ડેહુક રે ડેહુક.
(ગાડીમાં બેઠા ત્યારથી અવિરત ખાયા કરતી સ્ત્રી. વારંવાર સ્ટેશનોના નામ પૂછતી નાની બાળકી, આ પેલી જાડી, મૂછના થોભિયાવાળાએ ત્રીજીવાર સિગારેટ સળગાવી. કેટલીક બાઈઓની ગૂસપૂસ. બૂમ પાડું ? ભૂખ તો મનેય લાગી છે. અવિરત ખાયા કરતી સ્ત્રીના ઉત્તુંગ સ્તન)
ધક્કા ને મુક્કી ને પુલ આવ્યો, નદિયા તો સુક્કી ને ભાઠામાં લોકો ને અગ્નિ ને
પાટા બદલાયા ને સુવ્વરના બચ્ચાએ પેટી વગાડી ને વાગી ગઈ ચૂંક રે ચૂંક
(ડોશીમાને બેસવા દીધાં હોય તો ? થોડીવાર ઊભો થઇ જાઉં. પેલાનું નાક કેવું ચીબું છે ! સાલા જોતા જ નથી અને આ જંગલમાં ગાડી ઊભી રહી. કદાચ સિગ્નલ નહીં મળ્યો હોય ! પેલીએ ફરી પાછું ચાવવા માંડ્યું. નાકનકશો સારો છે અને પેલા એનાં..)
0 comments
Leave comment