13 - સમ્ભોગસિમ્ફની ગઝલ / નયન દેસાઈ


સજીવ સ્થંભો, ધૂળની ડમરી, કામુક પડછાયાનું જંગલ,
સવાર પડતાં કથ્થઈ પીછાં સ્વપ્નાઓનાં ઓઢશે પાગલ.

આવાક્ સળિયા, કામુક બિલ્લી, શોધું છું તુજ સ્તનની સુંવાળપ,
પછાડ ખાતા લોહચુંબકના ટાપુ ઉપર સ્પર્શ છલોછલ.

બહાર પગરવ જેવો દરિયો ને ઊછળે છે શ્વેત હલેસાં,
પ્રવાહ ધુમ્મસનો પથરાયો, ભણકારાની હલચલ હલચલ.

મધુર આક્રંદ, નગ્ન ખીલાઓ, ચિલ્લાતા શબ્દોનાં ટોળાં,
હજાર આંખે જાંબૂડિયા આકાશનું મર્મર શ્વાસનું દંગલ.

પ્રકાશ ક્યાં છે? કાળું ઊંડાણ ગંધક – શા સંબંધો સળગે,
તરડાયેલી ભીંતો પરથી સૂર્ય નીતરતો આકલ – વિકલ.0 comments


Leave comment