15 - રાયજી – ગીત / નયન દેસાઈ


છીછરા દરિયા, ચોરસ પાણી કાંઠા તોડી વહો રાયજી,
છપ્પન શ્વાસો તરતા મૂકી પરપોટામાં રહો રાયજી.

તમને દરિયાની લૂ લાગે, અમને પાણી ઝરઝર ઝરઝર,
ક્ષણ પાતાળે શેષ નાગને નાથ્યા કેવા અહો ! રાયજી.

વડવાનલને કંકુ છાંટી લખ્યા સવિનયની ગૃહશાંતિ,
ચકમક જેવા અવસરને ક્યાં સંતાડ્યો છે કહો રાયજી ?

અક્ષત પગલાં રેતી પરનાં ભરતી ઓટ વિષેનો સંશય,
છીપલાંમાંથી તગતગ તાકે અમને નડતા ગ્રહો રાયજી.

અંદર અલખ નિરંજન સળગે બાર ગાઉં પર સુક્કીવાવ,
શોકવૃક્ષને છાંયે બેસી જળ તીરથને ચહો રાયજી.0 comments


Leave comment