45 - ઘેરિયા ગઝલ / નયન દેસાઈ


છાતી સોંસરવું સરકે કીડીનું નઘરું હાં રે હાં ભાઈ !
પંડે પથ્થર જેવા ને પડછાયો ગભરુ હાં રે હાં ભાઈ !

કોઈ તો મૂર્છિત દિવસોને પીંછી ઢાળો કે સામળેક મોરચા..
છે વળગેલું આંખોને સૂરજનું લફરું હાં રે હાં ભાઈ !

આ સદીઓનો થાક હવે બીજે વાળો કે સામળેક મોરચા !
અથવા પકડી જાય સમયનું સિપાઈસપરું હાં રે હાં ભાઈ !

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરીયાળો કે સામળેક મોરચા !
બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ !

કૈં ઈચ્છાની ઘેર ડૂબી ગૈ મોં વાળો કે સામળેક મોરચા !
આમ તો લાગે છે જીવતરનું પાણી છીછરું હાં રે હાં ભાઈ !

ધ્રૂજતા શહેરમાં પગલે પગલે સંભાળો રે સામળેક મોરચા !
ગલીએ ગલીએ વાગે છે અહીં શિવનું ડમરુ હાં રે હાં ભાઈ !

કાળી બિલ્લી ઘંટાચોરનો ગોટાળો કે સામળેક મોરચા !
ભીડમાં પોતાનો ચહેરો ઓળખવું અઘરું હાં રે હાં ભાઈ !



0 comments


Leave comment