46 - અચ્છાંદસ ગઝલ / નયન દેસાઈ


ઊબડખાબડ રસ્તા પર સૂરજનાં પીળાં પાન ખરે છે.
પાછળ ઘર કલ્પાંત કરે છે
સાઈસને કહો કે ગાડી પાછી વાળે.

સાંજુંકનો મુઠ્ઠીભાર તડકો પીળીપીળી આહ ભરે છે
ને ડૂમાનાં ફૂલ ગરે છે સાઈસને કહો કે ગાડી પાછી વાળે,

આથમણે એક મૂક્યું પગલું
ને ઊગમણે બીજું પગલું
વચમાં વાદળ વાદળ જીવ્યા શ્વાસોમાં વરસ્યા ને સૂક્કા શ્રાવણ ભાદર.
છાતીમાં પીડાનો પરપોટો ઊછરે છે
ને લોહીમાં સ્વપ્નોનો ભંગાર તરે છે
સાઈસને કહો કે ગાડી પાછી વાળે.

શેરી નત મસ્તક ઊભી છે, ઘરમાં ઘર સંતાઈ ગયાં છે,
રસ્તો મુફલીસની જાગીર છે, ગાડીના પૈડા નીચે ગાડીનું પૈડું
મારા વસિયતનામા જેવું નામ સ્મરે છે,
આખું શહેર અજાણ્યા પંખી જેમ ડરે છે;
સાઈસને કહો કે ગાડી પાછી વાળે.

લકવાગ્રસ્ત નદી ઉપરના મોજાં થઈને જીવ્યો છું હું
ફીણ બનીને ઝૂર્યો છું હું, ઘોડાની તબકડીમાં કૈં ધ્રુજું છું
બત્તીનું અજવાળું ચાબુકથી થથરે છે,
સામે કાંઠે તરતો મૂક્યો દીપ ઠરે છે.
સાઈસને કહો કે ગાડી પાછી વાળે.0 comments


Leave comment