47 - અમે – ગઝલ / નયન દેસાઈ


શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.

સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?

ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.

બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.

અમથું થયું કે ‘જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ’
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.0 comments


Leave comment