49 - સાંભળો છો શ્રીકાંત* ? / નયન દેસાઈ


અડાબીડ ક્ષણોના જંગલમાં ઘેરાયેલ હું યાદ કરું છું આપણે મળ્યા હતા એ પ્રથમ ક્ષણને – ભૂખરી કાચની ફ્રેમમાં મઢી હોય એવી એ સાંજ હજી આંખમાં અકબંધ છે. તમને યાદ છે, શ્રીકાંત ?

છેલ્લી વાર ગામથી સૂરત આવવા નીકળ્યો ત્યારે પવનથી પણ આક્રોશ કરી ઊઠતા ઝાંપા આગળ સાવ વૃદ્ધ બની ગયેલી મારી માને જોઈ હતી એ આખું દૃશ્ય ઈતિહાસ બની ગયું છે. મેં મને વાલોડની ઝાંખરી નદીમાં ફેંકી દીધાને વર્ષો થઇ ગયા – જિંદગીનો નથી લાગ્યો એટલો મને મારા પડછાયાનો બોજ લાગ્યો છે.

સાવ નપાવટ દિવસોએ મને ચીંથરેહાલ કરી દીધો છે. બહુ કઠોરતાથી જીવ્યો છું. મારા અહમને પંપાળવામાં મને મઝા આવી છે. અને છતાં અંત:કરણપૂર્વક હું મને ધિક્કારું છું. વાસ્તવિકતાની સાવ નજીક જવાની મને એ સજા મળી છે. પસ્તીની જેમ વેચાઈ ગયેલો હું મારે માટે – દુનિયા માટે સાવ નકામો છું.

અસ્તિત્વ અનાજના દાણાની જેમ વેરાઈ ગયું છે. પણ એ ખેતર ક્યાં ? વગડો ક્યાં ? કશું જ નહીં. માત્ર કોલાહલ નીચે દબાયેલું એકાંત. શિશુનાં ડૂસકાં જેવી સવાર અને કામ્પોઝમાં ઓગળી જતી રાત. બીમાર ચહેરાઓનાં અસ્તિત્વ... સરઘસમાં ખોવાઈ ગયેલું અસ્તિત્વ બેગમ અખ્તરનાં વિષાદી અવાજમાં મેં ઘણી વાર સાંજને ફંફોસી છે પણ ‘શ્રીકાંત’ તમે મળ્યા એ સાંજ....

* એક સમર્થ લેખક ‘અસ્તિ’ નાં લેખક-કવિ.



0 comments


Leave comment