51 - શ્વાસના મેદાનમાં – ગઝલ / નયન દેસાઈ
શ્વાસના મેદાનમાં હર ક્ષણ ઘવાતી જાય છે,
સૂર્યની અંતિમ ચીસો ક્રમશ: દબાતી જાય છે.
જન્મ આપી કૈંક લાવારીસ પડછાયાં તણો
આ ગલી પણ આજથી જાણે લપાતી જાય છે
એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હરએક સાંજો લડખડાતી જાય છે
વાદ્યની જેમ જ હવે આકાશ પણ વાગી ઊઠ્યું,
સાંજ ઢળતી જાય છે ને રણઝણાતી જાય છે
આ પ્રતિબિંબિત ગગનમાં પાડચિહ્નો તરવરે.
જળ ઉપર ભીની સમયલિપિ લખાતી જાય છે.
રત્નથી ઝળહળતાં પરવાળાંનો ટાપુ આભ છે,
એક પછી એક ચૌ દિશા રંગે મઢાતી જાય છે
એક ચકલી ચાંચમાં આકાશ લઇ ઊડી ગઈ,
ફર્શ પર એકાંતની જાજમ બિછાતી જાય છે.
આવ આ સાંજલ ક્ષણે તારો કરું છું ઇન્તિજાર
ચોતરફ મારી હવે ભીંતો ચણાતી જાય છે.
0 comments
Leave comment