53 - ઘંટડી – ગીત / નયન દેસાઈ
આ ઢળતી સાંજે છાતી વચ્ચેથી અમને ઝરણું ફૂટ્યું, હરણું કૂદ્યું,
ગીરવે મૂક્યા શ્વાસ અમારા મહેકી ઊઠ્યા રજસ્વલા કો’ ફૂલને સૂંઘ્યું
ચલો સાહ્યબા, બીજા ખેલનો તીજા ખેલનો
પરદો ઊંચકો બીજી ઘંટડી ત્રીજી ઘંટડી....
સોનાની સળીઓ વચ્ચેથી પોપટનાં ડૂસકાં રણઝણતાં સૂના મહેલમાં,
પાણીને આઘાત લાગતાં બની જાય પરપોટો એના બીજા ખેલમાં,
પછી આંગળી ચીતરે પીપળો અથવા સૂરજ તો પણ રહે આંગળી,
ચલો સાહ્યબા, બીજા ખેલનો તીજા ખેલનો
પરદો ઊંચકો બીજી ઘંટડી ત્રીજી ઘંટડી....
તમે સાહ્યબા, આંસુને કરવતથી વહેરો ને બાંધો ઝાકળિયો ચહેરો,
માસ્ટર મુન્નો વન્સમોરની ગાંઠ ઉકેલે એમ ઊકલતો જાય પહેરો
પછી આખરી સીનમાં તું ગોળી મારે ને પડી જાઉં હું બની બ્હાવરી,
ચલો સાહ્યબા, બીજા ખેલનો તીજા ખેલનો
પરદો ઊંચકો બીજી ઘંટડી ત્રીજી ઘંટડી....
0 comments
Leave comment